Thursday, November 10, 2016

સાહેબે સાફ કરી નાખ્યા

સાહેબે સાફ કરી નાખ્યા , સાહેબ,
આ તો સાહેબે સાફ કરી નાખ્યા.
કહેતા'તા કરવાનું ભારતને સ્વચ્છ ,
આ તો સૂપડાંઓ સાફ કરી નાખ્યા.

તાળા વિનાની હવે થઇ ગઇ તિજોરી
અને દરવાજા થઇ ગયા ઉઘાડા ,
નોટોને ખાઇ ખાઇ જીવતી ઉધઇને આવ્યા સપરમા દાડા.
રુપિયા માનીને જેને બાંધ્યાતા છાતીએ પળમાં કાગળિયા કરી નાખ્યા.
સાહેબ,
આ તો સાહેબે સાફ કરી નાખ્યા .

માલિકે નોકરની પાસેથી માંગી છે
સો કે પચાસની નોટ ,
કારણ માં કાનમાં  હળવેથી કીધું કે,
ઘરમાં નથી રે આજ લોટ .
પળભરમાં જાદૂઇ લાકડી ફરી ને
શેઠ નોકરને એક કરી નાખ્યા .
સાહેબ,
આ તો સાહેબે સાફ કરી નાખ્યા. 

મોટી આ નોટો સૌ નધણિયાતી થઇ ગઇ, કે પૂછે ન કોઇ હવે ભાવ,
સંઘરેલો સાપ હવે ડસવાને આવે છે, બદલ્યો છે સાપે સ્વભાવ.
બંધાયાં એનાં છે ગંધાયાં  ભાઇ,
થયાં રાજી જેણે વહેતાં રાખ્યાં,
સાહેબ ,
આ તો સાહેબે સાફ કરી નાખ્યા.

નોટો પર છાપેલા ગાંધીજી મલકે છે
બોખાં મોઢે રે આજ સ્મિત,
સ્વચ્છતાના પ્રેમી ને લાગી નવાઇ
જોઇ સાહેબની સ્વચ્છતાની રીત .
કાળા નાણાંને કીધાં ધોળા એક રાતમાં , એવા તો નવડાવી નાખ્યા ,
સાહેબ ,
આ તો સાહેબે સાફ કરી નાખ્યા

No comments:

Post a Comment